સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ: ર ઇંચ સુધીનો વરસાદ

વોલમાર્ક લો પ્રેશર નબળુ પડતા તા.7 ઓગષ્ટ સુધી છુટો છવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢમાં બે, જામનગર જિલ્લામાં ઝાપટાથી અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા રવિવારે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે ઝાપટાથી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. શનિવારે જામનગરના પીઠડમાં અનરાધાર 6 અને લતીપુરમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસતા ગામ પાણી-પાણી થયું હતું. તો બીજી તરફ તા.7 ઓગષ્ટ સુધી રાજયમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 7 ઓગષ્ટ સુધી ઉતર ગુજરાતથી સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. અગાઉ સક્રિય થયેલુ વોલમાર્ક લો પ્રેશર હવે નબળુ પડી સાયકલોનીક સકર્યુલેશનમાં પરિવર્તત થયું છે. જો કે લો પ્રેશર સિસ્ટમ સાયકલોનીક સકર્યુલેશન અને સક્રિય મોન્સુન ટ્રફના કારણે રાજયમાં વરસાદી પ્રવૃતી ચાલુ રહેશે. બનાસકાંઠાથી જામનગર સુધી ભારે વરસાદની સંભાવના છે.
આગામી તા.3 થી 7 ઓગષ્ટ સુધી રાજયમાં મોટાભાગના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસશે.
રાજકોટ શહરેમાં રવિવારે આખો દિવસ મેઘાવી માહોલ વચ્ચે સમયાંતરે ઝાપટા વરસ્યા હતા. સવારથી સાંજ ઝાંપટા વરસતા રવિવારે પણ રાજકોટવાસી ઘરમાં પુરાયા હતા.
જૂનાગઢ જિલ્લામાં સત્તાવાર રીતે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી રાહ જોવડાવ્યા બાદ આકાશમાં ઘેરાયેલા ઘટાટોપ વાદળો વચ્ચે ગઈકાલે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ધરતીપુત્રો અને નગરજનોમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે. સત્તાવાર આંકડાઓ મુજબ, ગિરનાર પર્વત પર 2 ઇંચ અને જૂનાગઢ શહેરમાં આશરે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેને લઈને દામોદર કુંડમાં સારા પ્રમાણમાં પાણી આવ્યા હતા. જ્યારે ભેસાણ પંથકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા સાથે મેઘરાજાએ હાજરી નોંધાવી છે.
જામનગર
જામનગરમાં શુક્રવાર રાત્રીથી રવિવાર બપોર સુધીમાં સારા વરસાદ પછી શનિવારે સાંજથી રવિવારે સાંજ સુધી માં મેઘરાજાએ મહત્તમ સ્થળે વિરામ રાખ્યો છે. જો કે જામનગર અને કાલાવડ માં છેલ્લા 24 કલાક માં અડધો ઇંચ વરસાદ થયો છે.આ ઉપરાંત જામનગર જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં પણ ગઈકાલે સારો વરસાદ થયો હતો. જામનગર જિલ્લામાં છેલ્લા ર4 કલાકમાં જામનગર શહેરમાં 10 મિમી , ધ્રોલ માં 4.મીમી ,ર કાલાવડ માં 9 મીમી , લાલપુર માં 13 મીમી અને જામજોધપુર માં 6 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રવિવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ થયો હતો. જેમાં વસઈ માં 25 , લાખાબાવળમાં 15 મીમી, મોટીબાણુંગાર માં 37 મીમી, ફલ્લા માં 14 મીમી, જામવણથલી માં 20 મીમી, મોટી ભલસાણ માં 18 મીમી, અલીયાબાડા માં 18 મીમી, દરેડ માં 14 મીમી , હડીયાણા માં 30 મીમી, બાલંભા માં 15 મીમી, પીઠડ માં 150 મીમી, લતીપુર માં 98 મીમી, જાલીયાદેવાણી માં 15 મીમી, નિકાવા માં 22 , ખરેડી માં 15 મીમી, મોટા વાડાળા માં 20 મિમી, , નવાગામ માં 12 મીમી, જામવાડી માં 15 મીમી , વરસાદ થયો છે. જોકે આજે મહત્તમ વિસ્તારોમાં મેઘરાજા વિરામ રાખ્યો છે. જામનગર શહેર માં ફક્ત બપોરે છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા.
વાંસજાળિયા
રવિવારે સવારે 10 થી 11 વાગ્યા સુધી માં એક ઈંચ જેટલો વરસાદ થયો છે જે મોલાતને ફાયદાકારક છે.જોકે વાંસજાળિયામાં હજી સુધી મોસમનો કુલ વરસાદ બે ઈંચ જેટલો જ થયો છે જે ઘણો ઓછો છે, જે ખેડૂતોને કુવા અથવા બોરમાં પાણી છે તેમણે આગોતરા વાવેતર કર્યા છે.વાવણી લાયક લોઠો વરસાદ હજી થયો નથી.અહીંની મીણસાર નદીમાં હજી પુર આવ્યા નથી.ખેડૂતોને ઘાસચારાની અછતથી મુશ્કેલી છે.ખેડૂત વર્ગ હજી વધુ વરસાદની રાહમાં છે.
મોરબી
મોરબીમાં વરસાદી સંકટ વચ્ચે મનપાએ 1પ00 ફુડ પેકેટનું ર1પ લોકોનું સ્થળાંતર કર્યુ છે.શહેરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ સતત મોનીટરીંગ કરીને વિવિધ વિભાગોને સક્રિય રાખ્યા હતા.
મનપા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારે વરસાદને કારણે શહેરમાં અંદાજે 750 લોકો અસરગ્રસ્ત બન્યા હતા. અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે 2 શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા હતા. ઉપરાંત 215 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાતમંદોને 1,500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.રાહત કામગીરી માટે શહેરના 13 વોર્ડમાં 13 ક્વિક રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ફાયર વિભાગના 41 જવાનોને કામગીરી માટે મૂકવામાં આવ્યા હતા, જ્યારે જઉછઋની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અને પાણીના નિકાલની કામગીરી માટે 552 સફાઈ કર્મચારીઓ પણ સતત કાર્યરત અને સ્ટેન્ડબાય રહ્યા હતા. વિવિધ વિભાગોના મળીને 700થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ઇમરજન્સી કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા હતા.રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે મનપાએ પૂરતા પ્રમાણમાં સાધનસામગ્રી પણ તૈયાર રાખી હતી. જેમાં 3 રેસ્ક્યુ બોટ, 3 ડી-વોટરિંગ પંપ, 1 ક્વિક રિસ્પોન્સ યુનિટ, 6 ફાયર ફાઇટર વાહનો, 2 જેટિંગ કમ સક્શન મશીન, 55 ટ્રેક્ટર અને 5 જેસીબી મશીન સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા.
હળવદમાં ત્રણ ગામમાંથી નાના બાળકો સહિત 27 લોકોનું સફળ રેસ્ક્યુ છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે અલગ-અલગ ત્રણ ગામોમાં નાના બાળકો સહિત કુલ 27 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ માલણીયાદ ગામમાં 5, સુખપર ગામમાં 15 અને ઇંગોરાળા ગામમાં 7 લોકો પાણીમાં ફસાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઉછઋ, જઉછઋ, પોલીસ, પ્રાંત અધિકારી સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાનું મોડી રાત સુધી સતત મોનિટરિંગ કર્યું હતું. કંટ્રોલ રૂમ મારફતે ફસાયેલા લોકો સાથે સતત ફોન પર સંપર્ક રાખી તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોટડા નાયાણી ગામે પિતા
સાથે તણાયેલા બાળકનો
24 કલાક બાદ મૃતદેહ મળ્યો
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા પિતા-પુત્રના બનાવમાં 24 કલાક બાદ બાળકનો પણ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શનિવારે પાણીના વહેણમાં રિક્ષા સાથે તણાઈ ગયેલા પિતા શીરાનભાઈ કાતિયારનો મૃતદેહ ગઇકાલે જ મળી આવ્યો હતો. જ્યારે આજે તેમના 7 વર્ષીય પુત્ર કાશીમ કાતિયારનો મૃતદેહ બનાવ સ્થળેથી આશરે અડધો કિલોમીટર દૂર મળી આવ્યો હતો.પાણીનું વહેણ ઓછું થતાં બાળકનો મૃતદેહ નજરે ચડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પિતા-પુત્રના કરુણ મૃત્યુથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ