દેશ-વિદેશમાં તંત્રની નબળી દેખાતી છબી દૂર કરવી અનિવાર્ય
સાસણગીર વિસ્તારમાં આવતા પ્રવાસીઓને ડિજિટલ પેમેન્ટ કરવા થતી પરેશાની દૂર કરવા ગીર હોમ સ્ટે એસોસિએશને વનમંત્રી સમક્ષ માંગણી કરી છે.
સાસણગીર વિસ્તારમાં દર વર્ષે આવતા લાખો પ્રવાસીઓ વતી વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ને પાઠવેલ પત્રમાં ગીર હોમ સ્ટે એસોસિએશન નાં પ્રમુખ હસમુખભાઈ ગધેસરિયા એ જણાવેલ વિગત પ્રમાણે સાસણગીર સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહોનું એક માત્ર કુદરતી નિવાસ્થાન છે.વન વિભાગ દ્વારા દેવળિયા સફારી પાર્ક ખાતે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સિંહદર્શન,રિસેપ્શન કાઉન્ટર,કેન્ટીન વિગેરે જેવી સુંદર અને પ્રશંસનીય વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ અહીં આવતા પ્રવાસીઓને નેટવર્કના અભાવે ડિજિટલ પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડે છે.
અભયારણ્ય વિસ્તાર હોવાના કારણે ત્યાં નવા મોબાઈલ ટાવર ઉભા કરવામાં પર્યાવરણ કે તકનીકી સીમાઓ હોઈ શકે.. જે સમજી શકાય તેમ છે પરંતુ વાયર-કેબલ (ફાઇબર ઓપ્ટિક)લાઈન નાખીને રિસેપ્શન અને કેન્ટીન જેવા મુખ્ય સ્થળો પર સરળતાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવે તો પ્રવાસીઓની પરેશાની દૂર થઈ શકે તેમ છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી ના ડિજિટલ ઇન્ડિયાના અભિયાન હેઠળ આજે દેશના ખૂણે ખૂણે નાનામાં નાના વેપારી પણ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારે છે પરંતુ વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ એવા દેવળિયા સફારી પાર્કમાં ડિજિટલ પેમેન્ટ ન થવું તે એક મોટી ક્ષતિ છે…ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી દર વર્ષે લાખો ટુરિસ્ટો ગીરમાં આવે છે.
વર્તમાન સમયમાં મોટાભાગના પ્રવાસીઓ રોકડ સાથે રાખવાનું ટાળતા હોય છે.ઓનલાઇન પેમેન્ટ ચુકવણીના માધ્યમો નાં અભાવે પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે
જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા વ્યવસ્થા તંત્રની છબી પર વિપરીત અસર પડે છે..સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ અને વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓની સુવિધાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા દેવળિયા સફારી પાર્ક સુધી ફાઇબર/કેબલ ઇન્ટરનેટ લાઈન લંબાવીને ત્વરિત જી મશીન તેમજ યુ.પી.આઇ ક્યુઆર કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ થાય માટે હકારાત્મક ર્નિણય લઇ સંબંધીત અધિકારીઓને પ્રવાસીઓના હિત માટે યોગ્ય કરવા સૂચના આપવા પત્રના અંતમાં મંડળના પ્રમુખ હસમુખભાઈ ગધેસરિયાએ વન મંત્રી સમક્ષ માંગણી કરી છે.
