ક્ષત્રિય ખાંટ રાજપુત શૌર્યગાથા ટ્રસ્ટ દ્વારા મંદિર કમિટી સમક્ષ રજૂઆત
ક્ષત્રિય ખાંટ રાજપૂત શૌર્યગાથા ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા પ્રભાસ પાટણ સોમનાથ ખાતે નિર્માણાધીન ભવ્ય સોમનાથ કોરિડોરના માસ્ટર પ્લાનમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૂરવીર પૂર્વજો, તેમના ઐતિહાસિક યોગદાન અને ધર્મરક્ષાર્થે આપેલા બલિદાનોને ગૌરવપૂર્ણ સ્થાન આપવા માટે તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
પ્રતિનિધિમંડળે રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે ભગવાન સોમનાથ મહાદેવના મંદિરની રક્ષા માટે વિધર્મી આક્રમણો સામે અનેક રાજપૂત શૂરવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. સોમનાથની સખાતે ચડી ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રરક્ષાના હિતમાં અવિસ્મરણીય બલિદાન આપનાર આ શૂરવીરોના વંશપરંપરાગત વારસદારો તરીકે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ગૌરવ અનુભવે છે. આ શૌર્યગાથાને સોમનાથ કોરિડોરમાં યોગ્ય સ્થાન મળવું એ ઐતિહાસિક ન્યાય સમાન છે.
રજૂઆતમાં જણાવાયું હતું કે સોમનાથ કોરિડોર માત્ર એક આધુનિક વિકાસ યોજના નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરતું મહત્વપૂર્ણ કેન્દ્ર બનવાનું છે.
સોમનાથ ટ્રસ્ટ સમક્ષ એવી પણ માંગ કરવામાં આવી હતી કે સોમનાથ કોરિડોરમાં માહિતી ગેલેરી, શિલાલેખ, ડિજિટલ ડિસ્પ્લે, સ્મારક અથવા અન્ય યોગ્ય માધ્યમ દ્વારા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના શૌર્યમય ઇતિહાસ અને યોગદાનને રજૂ કરવામાં આવે, જેથી દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ ગૌરવશાળી વારસાથી પરિચિત થઈ શકે.
