અમરેલીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલનમાં ધારાસભ્ય મેવાણીના સરકાર પર પ્રહારો

અનુસુચિત જાતિ સાથે થતા અન્યાય મુદ્દે 15મી ઓગસ્ટે મુખ્યમંત્રીને હજારો લોકો સાથે સવાલ પુછવાની ચીમકી

અમરેલી ખાતે આજે યોજાયેલા અનુસૂચિત જાતિ પ્રતિકાર સંમેલનમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. અનુસૂચિત જાતિના લોકોને થતા અન્યાય, ટોચ મર્યાદાની જમીનોના પ્રશ્નો તેમજ વિવિધ બાકી પ્રશ્નોને લઈને આયોજિત સંમેલનમાં તેમણે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપીને પડકાર ફેંક્યો હતો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી “જય ભીમ” અને “વંદે માતરમ”ના નારાઓ વચ્ચે અમરેલી એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લા પોલીસ વડા સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના લોકોને ન્યાય અપાવવા માટે હવે લડત વધુ તેજ બનાવવામાં આવશે. મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે સાંથલી ગામની જમીનનો પ્રશ્ન, કસ્ટોડીયલ ડેથ સહિત છેલ્લા દસ વર્ષથી જમીન ન મળવાના મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો આગામી 72 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો 15 ઓગસ્ટના રોજ તેઓ હજારો લોકો સાથે અમરેલી આવશે અને મુખ્યમંત્રી સમક્ષ આ મુદ્દાઓને લઈને સીધા સવાલો ઉઠાવશે. તેમણે રાજ્ય સરકાર ઉપરાંત સંબંધિત મંત્રી તથા જગદીશ વિશ્વકર્માને પણ આ મુદ્દે જવાબ આપવા તૈયાર રહેવા જણાવ્યું હતું. મેવાણીના આ નિવેદન બાદ પ્રતિકાર સંમેલનમાં હાજર કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર મામલો હવે રાજકીય તેમજ વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

રિલેટેડ ન્યૂઝ