કેશોદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ માટે વેસ્ટર્ન રેલ્વેને હિતરક્ષક સમિતિનું અલ્ટીમેટમ

તા. 17 ઓગસ્ટથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ અને 22 ઓગસ્ટથી રેલ રોકો આંદોલનની ચીમકી

વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર ડીવીઝન હેઠળ આવતા કેશોદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ ન મળતી હોવા બાબતે કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સમિતિ દ્વારા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કર્યા બાદ પણ કોઈ હકારાત્મક પ્રત્યુત્તર ન મળતા હવે ગાંધી ચિંધ્યા માર્ગે તા. 17 ઓગસ્ટથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ અને 22 ઓગસ્ટથી રેલ રોકો આંદોલનની ચીમકી ઉચારવામાં આવી છે.
કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજેશભાઈ જી. પંડયા દ્વારા જનરલ મેનેજર, વેસ્ટર્ન રેલ્વે, મુંબઈ અને ડીવીઝનલ રેલ્વે મેનેજરને મોકલવામાં આવેલ પત્રમાં જણાવ્યા મુજબ, વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર ડીવીઝનમાં કેશોદ રેલ્વે સ્ટેશન સૌથી વધારે મુસાફરોની આવ-જા અને આવક ધરાવતું સ્ટેશન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ. 24.43 કરોડના ખર્ચે આ સ્ટેશનને આધુનિક બનાવવા માટે મોટી રકમ ફાળવવામાં આવેલ છે અને કામગીરી પૂર્ણતાના આરે છે. તથા કેશોદ, માંગરોળ, મેંદરડા, વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માટે નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન કેશોદ જ છે. આ ઉપરાંત કેશોદથી માત્ર 22 કિ.મી. દૂર સાસણ ગીર અભયારણ્ય અને કેશોદમાં બનવા જઈ રહેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે.
કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે કે, લાંબા અંતરની ટ્રેનો જેવી કે, હાલ વેરાવળ-હરીદ્વાર સ્પે; વેરાવળ-બનારસ સુપરફાસ્ટ, વેરાવળ-ઈન્દોર, વંદે ભારત સોમનાથ-અમદાવાદ, વેરાવળ-મુંબઈ જેવી લાંબા અંતરની ટ્રેનોને કેશોદ ખાતે સ્ટોપેજ આપવામાં આવતો નથી. જેના કારણે મુસાફરોએ વેરાવળ-જૂનાગઢ-અમદાવાદ સુધી બસ કે અન્ય વાહનમાં જવું પડે છે. આ ઉપરાંત પૂર્વ તરફ બુકિંગ વિન્ડો બ્રોડગેજ લાઈનને કારણે શહેર બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વ તરફના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ટિકિટ માટે ફરીને આવવું પડે છે. તેથી પ્લેટફોર્મ નં. 3 પુર્વ તરફ બુકિંગ વિન્ડો શરૂ કરવામાં આવે તેવી માંગની સાથે લાંબા અંતરની ટ્રેનોમાં 22 થી 26 ડબા હોય છે. જેમાં અનરીઝર્વ ડબા એન્જીનની આગળ-પાછળ હોય છે. મુસાફરોને બેસવા માટે પ્લેટફોર્મ નં. 1 અને 2 ના આગળ-પાછળના ભાગમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે, અથવા સમિતિને સિમેન્ટના બાંકડા મૂકવાની મંજૂરી આપવામાં આવે તો સમિતિ પોતાના ખર્ચે તે લગાવવા તૈયાર છે. તેવી માંગ કરી છે. પત્રના અંતમાં એસમિતિએ રેલ્વે તંત્રને આ રજૂઆતોની ગંભીરતાપૂર્વક નોંધ લેવા અને હકારાત્મક નિર્ણય લઈને કેશોદ સહિત માંગરોળ-મેંદરડા તાલુકાના લાખો મુસાફરોને રાહત આપવા વિનંતી કરી છે.
સમિતિ દ્વારા તા. 10/07/2026 ના રોજ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ જવાબ મળ્યો નથી. જેના વિરોધમાં હવે તબક્કાવાર આંદોલન કરવામાં આવશે, જે મુજબ તા. 17/08/2026 સોમવાર સવારે 11 કલાકે કેશોદ શહેરના માંગરોળ-મેંદરડાના વેપારી સંગઠનો, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના હોદ્દેદારો અને નગરશ્રેષ્ઠીઓ સાથે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ સાથે સહી જુંબેશ અને પોસ્ટકાર્ડ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. અને તા. 22/08/2026 સુધીમાં માંગણીઓ નહીં સંતોષાય તો સોમનાથ- જબલપુર ટ્રેનને રોકીને “રેલ રોકો આંદોલન” કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ