વેરાવળની દિકરીની પ્રારબ્ધ સામે પરિશ્રમની દાસ્તાન: અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ સફળતાનો માર્ગ કંડાર્યો

અભ્યાસ સાથે ટેભે-ટેભે જીવનનું ઘડતર કરવાની પ્રેરણાદાયી કહાની વેરાવળની રક્ષા પરમાર મુસીબતના સમયમાં ઘરની ‘રક્ષા’ બની

સામાન્ય રીતે આપણે સામાન્ય મુસીબત કે વિપદા આવે તો પણ નાસીપાસ થઈ જઈએ છીએ. પરંતુ જો ઘરનો ટેકો અથવા મુખ્ય ચાલકબળ જ દૂર થઈ જાય તો તેનાથી તેના પરિવારજનો પર પડતી મુશ્કેલીને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.
આવી જ એક કહાનીમાં ઘરના મોભી અને આર્થિક ચાલકબળ એવા પિતાશ્રીનું અચાનક હાર્ટએટેકથી અવસાન થતાં ઘર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો પરંતુ આ ઘરની દીકરીએ આ મુસીબતમાં પોતાની ધીરજ અને અડગ મનોબળથી ઘરનો મજબૂત ટેકો બનીને ઘરને મજબૂત સ્થિરતા આપી છે.
વાત છે વેરાવળની કોળીવાડા વિસ્તારમાં રહેતી રક્ષા પરમારની કે, જે અચાનક જ તેના પિતાશ્રીનું અવસાન થતાં તેમની જગ્યાએ સીવણકામ કરીને ઘરની આધાર,રક્ષા અને સુરક્ષા બની છે. અભ્યાસ સાથે-સાથે તે ટેભે-ટેભે જીવનનું ઘડતર પણ કરી રહી છે.
વેરાવળના રક્ષાબહેન પરમાર, કે જેઓ ફાઈન આર્ટ્સમાં અભ્યાસ કરે છે તેઓએ તેમના પિતા ચંદુભાઈ પરમાર જે કેબીનમાં બેસી સીવણકામ કરી ઘરનું આર્થિક ગુજરાન ચલાવતા હતાં. ત્યાં બેસીને અડધો દિવસ સીવણકામ અને બપોર બાદ અભ્યાસ કરીને ઘર સાથે પોતાની કારકિર્દીને પણ આગળ ધપાવી રહ્યાં છે.
આ અંગે રક્ષાબહેન પરમારે જણાવ્યું હતું કે, તેમના પિતા ચંદુભાઈ કોળીવાડા વિસ્તારમાં રોડ પર સામાન્ય કેબિનમાં સીવણકામ કરતાં હતાં પરંતુ થોડા સમય પહેલા અચાનક હ્રદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યું થયું હતું. આ સમયે ઘર પર અચાનક જ આર્થિક મુસીબત આવી પડી હતી. રક્ષાબહેન આત્મનિર્ભર બની આર્થિક મોરચે પરિવાર વધુ સશક્ત બને તે દિશામાં ડગ માંડી રહ્યાં છે અને અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યાં છે. રક્ષાબહેન ફાઈનઆર્ટ્સના વિદ્યાર્થી સાથે ચિત્રકામમાં પણ હથોટી ધરાવે છે. ઘર માટે સમય સાથે શક્તિનું યોગદાન આપવા સાથે તેમણે સમાજમાં મહિલા સશક્તિકરણનું એક આગવું ઉદાહરણ રજૂ કર્યું છે. આમ, રક્ષાબહેનની નાની એવી પરંતુ પ્રારબ્ધ સામે પરિશ્રમથી લડવાની પ્રેરણાદાયી કહાની છે. આ કહાનીથી જો સમાજમાં ક્યાંક પણ નાનો એવો પ્રકાશ ફેલાશે તો મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી સાર્થક સાબિત થશે.

રિલેટેડ ન્યૂઝ