ખંભાળીયામાં 60 બહેનોએ જોબફેરમાં ઈન્ટરવ્યુ આપ્યા

મહિલા સ્વાવલંબન, વિશ્ર્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ મહિલા રોજગાર મેળો યોજાયો

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિન” અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર ડો. ચંદ્રેશકુમાર ભાંભી દ્વારા ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમની “મહિલા સ્વાવલંબન યોજના” અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ જુદા જુદા 300 કરતા વધુ વ્યવસાયો માટે રૂપિયા બે લાખ સુધીની સબસિડી વાળી લોન મળવાપાત્ર છે. જેનો લાભ પાત્રતા ધરાવતી મહિલાઓ લઈ શકે છે. ઉપરાંત મહિલાઓ માટે આત્મનિર્ભર બનવું શા માટે જરૂરી છે તે અંગે પણ માહિતગાર કર્યા હતાં. ઉપરાંત વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત બાળકો માટે સ્તનપાનનું મહત્વ અને આંગણવાડી માંથી મળતી વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
લીડ બેંકના મેનેજર શ્યામલ જોશી દ્વારા બેંક લોન લેવા માટેની વિવિધ યોજનાઓ, બેંક સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે બેંક ખાતનુ સંચાલન કરવું વગેરેની સાથે જિલ્લામાં શરૂ થનાર છજઊઝઈં કે જ્યાં મહિલાઓને વિવિધ રોજગારલક્ષી તાલીમો મળશે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
જિલ્લા રોજગાર કચેરીમાંથી રમેશભાઈ વાણવીએ જણાવ્યું હતું કે, રોજગાર કચેરીની કામ નોકરી ઇચ્છતા ઉમેદવારો અને નોકરીદાતા વચ્ચે સેતુની ભૂમિકા ભજવવાનું અને ઉમેદવારોને રોજગારલક્ષી માર્ગદર્શન આપવાનું છે.
જિલ્લા કોર્ડિનેટર દિવ્યાબેન બારડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, 181 મહિલા હેલ્પ લાઇન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ મથકના કોન્સ્ટેબલ એભાભાઈ ચાવડાએ હાલના સમયમાં થતા વિવિધ ઓનલાઇન ફ્રોડ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલાઓ સાયબર ક્રાઇમ અને સાયબર બુલિંગનો વધુ ભોગ બનતા હોય તેથી સાવચેતી માટે શું પગલા તેની માહિતી આપી હતી.
આ કાર્યકમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પી.પી. જાદવએ મહેમાનોનું સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રંજનબેન જોશી દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની કામગીરીની જાણકારી માટે સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીએચઆરમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાનગી એકમોમાંથી 8 નોકરીદાતાઓ જોડાયા હતા અને 60 બહેનોએ આ નોકરીદાતાઓ સામે ઇન્ટરવ્યુ આપ્યા હતા.
આ કાર્યકમમાં દિપ્તીબેન કણઝારીયા, સખી મંડળની બહેનો, આંગણવાડી કાર્યકરો, નોકરીવાંચ્છુ મહિલાઓ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી આવેલા પેરા લીગલ વોલેન્ટીઅર, નોકરી દાતાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ