કંપની દ્વારા કામગીરી શરૂ થતાં ખેડૂતો એકઠા થયા, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ધામળેજ, સિગસર અને થોરડી ગામે આવેલી ખાનગી કંપની દ્વારા માઇન્સમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કંપની દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને માઇન્સમાંથી પાણી ન કાઢવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં મામલો થાળે પડવાને બદલે વધુ ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને વિરોધ કરી રહેલા કેટલાક ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. માઇન્સમાંથી પાણી કાઢવાની કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ કામગીરીથી આસપાસના વિસ્તારના પાણીના સ્ત્રોતો અને ખેતી પર અસર થવાની ચિંતા છે. સમગ્ર મામલે કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો છે. ઘટનાને પગલે ધામળેજ-સિગસર-થોરડી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.
