પોરબંદરમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા અપાઈ સૂચના

મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નિયમોની કડક અમલવારી કરવા જણાવ્યું: લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા સાંખી લેવાશે નહીં

પોરબંદર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ખાણીપીણીના ધંધાથીને ફૂડ સેફટી ના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ નાગરિકોને સુરક્ષિત અને સ્વચ્છ ખાણીપીણી ઉપલબ્ધ થાય તે હેતુથી વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપેમહાનગરપાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ શાખા દ્વારા શહેરના ખાણીપીણીના લારીધારકો માટે ફૂડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર રાજ છાત્રોડીયા અને વિજયભાઈ ઠકરાર દ્વારા નવયુગ સ્કૂલ રોડ, હનુમાન ગુફા પોલીસ ચોકી વિસ્તાર, સુદામા મંદિર પાછળનો વિસ્તાર તેમજ સુદામા ચોક ખાતે ખાદી ભવન સામેના માર્ગ સહિતના સ્થળોએ લારીધારકોને ફૂડ સેફ્ટીના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન ખાદ્યજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા વધુ રહેતી હોવાથી તકેદારીના ભાગરૂપે ખાણી પીણીની લારી ધારકોને સ્વચ્છતા અને ગુણવત્તાના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વાસી તથા ખુલ્લા ખાદ્યપદાર્થોનું વેચાણ ન કરવું, તમામ ખાદ્યપદાર્થોને ઢાંકીને રાખવા, રસોઈ તથા પીરસવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો અને ડીશ સંપૂર્ણ સ્વચ્છ રાખવા, માખી અને અન્ય જીવાતોનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખવી, વ્યવસાય સ્થળે કચરાપેટીની વ્યવસ્થા રાખવી, સમયમર્યાદા પૂર્ણ થયેલા ખાદ્યપદાર્થોનું વેચાણ ન કરવું, ફૂડ હેન્ડલરે ગ્લોઝ અને કેપનો ઉપયોગ કરવો તેમજ ખાદ્યપદાર્થો પેક કરવા માટે છાપાં કે મેગેઝિનના કાગળનો ઉપયોગ ન કરવા સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદર મહાનગરપાલિકાએ શહેરના ખાણીપીણીના ધંધાર્થીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરી સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવા સહકાર આપવા અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ