બેંક હડતાળ પહેલાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 25 સપ્ટેમ્બરે એડવાન્સમાં મળશે વેતન
દેશભરમાં યોજાનારી ત્રણ દિવસીય બેંક હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યાં છે. સપ્ટેમ્બર મહિનાની સેલેરી અને પેન્શન આ વખતે સમય કરતાં પહેલાં જમા કરી દેવામાં આવશે. નાણા મંત્રાલય દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં સપ્ટેમ્બર મહિનાનો પગાર અને પેન્શન 25 સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ જ ટ્રાન્સફર કરી દેવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આ વહેલી ચુકવણી પાછળનું મુખ્ય કારણ 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી બેંકોની ત્રણ દિવસની પ્રસ્તાવિત હડતાળ છે. હડતાળ દરમિયાન બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતાને પગલે નાણા મંત્રાલય હેઠળનાં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (ઈૠઅ) દ્વારા 23 સપ્ટેમ્બરે એક ઓફિસ મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યું હતું, જેમાં સપ્ટેમ્બર માસની સેલેરી અને પેન્શનની એડવાન્સ ચુકવણી કરી દેવાની સૂચના આપવામાં આવી છે.
ઈૠઅ ના મેમોરેન્ડમ અનુસાર, તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ જેમ કે સંરક્ષણ (ડિફેન્સ) ક્ષેત્રના કર્મચારીઓ, ટપાલ વિભાગ (પોસ્ટ), ટેલિકોમ વિભાગ અને અન્ય તમામ ઔદ્યોગિક તથા કેન્દ્રીય કર્મચારીઓને 25 સપ્ટેમ્બર 2026ના રોજ પગાર ચૂકવી દેવાશે. આ ઉપરાંત, પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસ (ઙઅઘ) અને બેંકો દ્વારા કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ આ જ તારીખે પેન્શન જારી કરી દેવામાં આવશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ચુકવણી એડવાન્સ (અગ્રીમ) ચુકવણી ગણાશે. જો સમગ્ર મહિનાનો અંતિમ હિસાબ નક્કી થયા બાદ સેલેરી કે પેન્શનમાં કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ (સમાયોજન) કરવાનું બાકી રહેશે, તો તેને ઓક્ટોબર 2026ના પગારમાંથી સરભર કરી લેવામાં આવશે. ત્રિમાસિક ગાળાના અંતે થતી બેંકિંગ પ્રક્રિયાઓમાં વિલંબ અટકાવવા માટે મંત્રાલયોને તમામ વ્યવહારો સમયસર પૂર્ણ કરી લેવાની સલાહ આપવામાં આવી છે.
