અકસ્માતમાં બે મિત્રો ગંભીર ઘાયલ
મેંદરડા-જૂનાગઢ બાયપાસ રોડ પર સોનારડી ગામ નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે કારમાં મુસાફરી કરી રહેલા અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કારમાં સવાર ત્રણ મિત્રો પૈકી 29 વર્ષીય સાગર નાંઘીયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જાણવા મળ્યા મુજબ મૃતકને અંદાજે 6 મહિનાનું માસૂમ બાળક છે, જેના માથેથી પિતાની છત્રછાયા હંમેશા માટે છીનવાઈ ગઈ છે.
જાણવા મળ્યા મુજબ અકસ્માતના થોડા સમય પહેલાં જ સાગર નાંઘીયાએ પોતાના સોશિયલ મીડિયા પર એક ગીત અને જીવન અંગેનો ભાવુક સંદેશ શેર કર્યો હતો, જે હવે તેની અંતિમ પોસ્ટ બની ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તેમજ કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.
