વંથલીના બાલોટ ગામે સરકારી જમીન પચાવી પાડવા અંગે નોંધાયો ગુનો

વંથલીમાં રેતી ભરેલા ડમ્પર ચાલકે ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી

વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલોટ ગામની સીમમાં આવેલ રેવેન્યુ સર્વે નંબર 402 ની અંદાજે સાડા પાંચ વિઘા (હેક્ટર 00-82-86) જમીન બાબતે ગેરકાયદેસર કબ્જાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ મેણંદભાઇ રામભાઇ જલુ, દેવુબેન મેણંદભાઇ જલુ, દિનેશભાઇ મેણંદભાઇ જલુ, યોગેશભાઇ જીવાભાઇ જલુ (તમામ રહે. બાલોટ) અને ભરતભાઇ નારણભાઇ ડાંગર (રહે. માણેકવાડા) દ્વારા આ જમીન ઉપર અનધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ આ સરકારી તથા માલિકીની જમીનનો ખેતીવાડી માટે અંગત ઉપયોગ કરી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો આચર્યો હોવાથી વંથલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ફરજમાં રૂકાવટ
વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓઝત નદીના પુલ ઉપર ખાણ ખનિજ વિભાગની ટીમ ફરજ પર હતી ત્યારે રેતી ભરેલા ડમ્પર ચાલકે અધિકારીઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હોવાની ગંભીર ઘટના બની હતી. સરકારી ફરજમાં રહેલા માઇન્સ સુપરવાઇઝર દેવાભાઇ ભીમાભાઇ છારીયા તથા સાહેદોએ રેતી ભરેલા ડમ્પર (જીજે 13 એડબ્લ્યુ 9737) ના ચાલકને રોકી રોયલ્ટી પાસ માંગ્યો હતો. ડમ્પર ચાલક પાસે રોયલ્ટી નહીં હોવાથી તેણે ડમ્પર માલિક કુલદિપભાઇ નાથાભાઇ વાળા સાથે ફોન પર વાત કરાવી હતી. ડમ્પર માલિકે વોટ્સએપ પર ફોન કરી કાયદેસરની કાર્યવાહી નહીં કરવા અને જો કરશો તો દવા પીને મરી જવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ડમ્પર ઓઝત નદીના પુલ ઉપર ખાલી કરી દીધું હતું અને ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટ્યા હતા, જેથી વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

રિલેટેડ ન્યૂઝ