ખંભાળિયાના સોડસલા ગામે સર્પદંશથી યુવાનનું મોત નીપજ્યું

ગટરના પાણી બાબતે પિતા-પુત્ર પર હુમલો

ખંભાળિયાના સોડસલા ગામે સંર્પદંશથી યુવાનનું મૃત્યું નીપજ્યું છે. જ્યારે ખંભાળિયામાં ગટરના પાણી બાબતે પિતા-પુત્ર પર હુમલો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા ખીમાભાઈ લાખાભાઈ ટોયટા નામના 36 વર્ષના ભરવાડ યુવાન ગત તા. 29 મી ના રોજ તેમના રહેણાંક મકાને પોતાના માલઢોરને ઘાસચારો નાખી રહ્યા હતા, તે દરમિયાન ઝેરી સર્પે તેમને દંશ દેતા તેમને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રૂડાભાઈ લાખાભાઈ ટોયટાએ સલાયા મરીન પોલીસને કરી છે.
ખંભાળિયાના વાયકેજીએન સોસાયટી વિસ્તારમાં મિરાજ પાર્ક ખાતે રહેતા મોહમદ કાદરભાઈ રીંડાણી નામના 22 વર્ષના યુવાન તથા તેમના પિતા સાથે આ જ વિસ્તારમાં રહેતા સરીફ સફિયા નામના શખ્સએ ગટરના પાણી બાબતે ઝઘડો કરી, લોખંડના પાઈપ વડે માર મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો ભાંડી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
ખંભાળિયામાં ખોડીયાર ચોક વિસ્તારમાં રહેતા લખમણ ઉર્ફે લખન બાલુભાઈ ચાસિયા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. 1,695 ની કિંમતની વિદેશી દારૂની 3 બોટલ સાથે આરોપી લખમણ ઉર્ફે લખન ચાસિયા તથા પ્રવીણ ઉર્ફે પીન્ટુ ભીખુભાઈ ચોપડા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં જામનગર જિલ્લાના સીંગચ ગામના પ્રકાશ ઉર્ફે ભૂરો મેઘાભાઈ ઢચાનું નામ પણ ખુલવા પામ્યું છે.
સલાયાના છ માછીમાર
સામે કાર્યવાહી
હાલ ચોમાસાની સિઝનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ અંગેનું જાહેરનામુ સક્ષમ અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી વગર એન્જિન લગાડેલી હોડી લઈને માછીમારી કરવા ગયેલા ખંભાળિયા તાલુકાના સલાયા ગામના છ માછીમારો સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
જેમાં સલાયાના રહીશ મહેબુબ રજાક સંઘાર, સિદ્દીક આમદ ચમડિયા, એજાજ જુસબ ચબા, અબ્દુલ રહીમ હાજી ગંઢાર, અબ્રાહમ હાજી સંઘાર અને હુશેન રજાક હુંદડા સામે સલાયા મરીન પોલીસ મથકમાં બીએનએસ તેમજ ગુજરાત મત્સ્યોધ્યોગ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ