દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી પૂર્વે તંત્ર સજ્જ : હેલ્થ ડેસ્ક ઉભા કરાશે

કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ટ્રાફિક, પાર્કિંગ સહિત મુદ્દે ચર્ચા કરાઈ

યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તા. 4 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન અંગે ખંભાળિયામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. જેમાં નાગરિકોને કોઈપણ અગવડતા ન પડે તેમજ ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા, વીજ પુરવઠો, સ્વચ્છતા, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તથા મંદિર આસપાસ બેરીકેટિંગ કરવા સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ચકાસી લેવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. જોશી, નિવાસી અધિક કલેકટર એમ.વી. દેસાઈ, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, ડીવાયએસપી મીત રૂદલાલ સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ