તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મુળ માલીકોને પરત કરાયા
જૂનાગઢ ભવનાથ પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી પ્રશંસનીય કામગીરી કરી છે. ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓ અને સ્થાનિક અરજદારોના ગુમ થયેલા 26 જેટલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા છે, અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને મૂળ માલિકોને પરત સોંપ્યા છે.
જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચૂડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. કે. કંબલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી રૂ. 3,41,000ની કિંમતના 26 મોબાઈલ ફોન ટ્રેસ કરીને સફળતાપૂર્વક શોધી કાઢ્યા હતા. પોતાના ગુમ થયેલા મોબાઈલ સહી-સલામત પાછા મળતાં અરજદારોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને તેમણે ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
