ધારી પાસે ટ્રેન સામે પાંચ સિંહો આવી ચડ્યા લોકો પાયલોટની સતર્કતાથી દુર્ઘટના ટળી

માણસે જંગલમાં પગ પેસારો કરતા સિંહોના શહેરો-ગામોમાં ઉચાળા

વન વિભાગ કર્મીઓએ સિંહોને સુરક્ષિત ખસેડયા

અમરેલી જિલ્લાના ધારી ગામ નજીક આવેલ છતડીયા રેલવે ફાટક પાસે આજે સોમવારે સાંજે એકસાથે પાંચ સિંહો રેલવે ટ્રેક પર આવી જતાં ટ્રેનના લોકો પાયલોટની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવની જાણ થતાં સરસિયા રેન્જના વનકર્મીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.અને પાંચેય સિંહોને સલામત રીતે ટ્રેક પરથી દૂર ખસેડી તેમનો બચાવ કર્યો હતો.
ધારી તાલુકાના છતડીયા ગામ નજીક આવેલ રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર એકસાથે પાંચ સિંહો પહોંચી જતાં અને આ સમયે જ ચલાલા જૂનાગઢ પેસેન્જર ટ્રેન પસાર થતી હતી. ત્યારે આ ટ્રેનના લોકો પાયલોટે દૂરથી જ સિંહોને રેલવે ટ્રેક ઉપર જોઈ લેતા અને સમયસર ટ્રેન થંભાવી દીધી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા સરસિયા રેન્જની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વનવિભાગના કર્મચારીઓએ જરૂરી તકેદારી સાથે પાંચેય સિંહોને રેલવે ટ્રેક પરથી સુરક્ષિત રીતે દૂર ખસેડ્યા હતા. જેના કારણે કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાયો નહોતો અને બાદમાં ટ્રેન વ્યવહાર પણ પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ દામનગર-લીલીયા વચ્ચે રેલવે ટ્રેક પર એક સિંહ આવી ચડતાં ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે સમયસર ટ્રેન રોકી સિંહનો જીવ બચાવ્યો હતો. આમ સતત બીજા દિવસે આવી ઘટના સામે આવતા ગીર અને આસપાસના વિસ્તારમાં રેલવે ટ્રેક પર વન્ય પ્રાણીઓની અવરજવર વધતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વનવિભાગ અને રેલવે તંત્ર વચ્ચે વધુ સંકલન અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની તકેદારી રાખવાની જરૂરિયાત વધુ પ્રબળ બની છે.

રિલેટેડ ન્યૂઝ