ઉના હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ મુદ્દે તંગદીલી : ફડાકા ઝીંકી દેતા ખળભળાટ

વૃદ્ધના મોત બાદ પેનલ પોસ્ટમોર્ટમની માંગે લીધો ઉગ્ર વળાંક; ખાનગી હોસ્પિટલ સામે પરિવારજનોના બેદરકારીના આક્ષેપો : તબીબ અને અનુસુચિત સમાજના આગેવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈના આક્ષેપો

ઉના શહેરમાં વૃદ્ધના મોત બાદ પેનલ પોસ્ટમોર્ટમ (ઙખ) કરાવવાની માંગને લઈને સર્જાયેલો વિવાદ સરકારી હોસ્પિટલ સુધી પહોંચતા મામલો ગરમાયો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 68 વર્ષીય વૃદ્ધનું મોત થયા બાદ પરિવારજનોએ તબીબી બેદરકારીના આક્ષેપો કરી પેનલ પોસ્ટમોર્ટમની માંગ ઉઠાવી હતી. દરમિયાન સરકારી હોસ્પિટલમાં ઙખ અંગેની કાર્યવાહી અને સ્થળને લઈને થયેલી વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તબીબ અને અનુસુચિત સમાજના આગેવાન વચ્ચે બોલાચાલી બાદ હાથાપાઈ થઈ હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર ઉનામાં ખળભળાટ મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, ગુંદાળા ગામના 68 વર્ષીય મેપાભાઈ ચૌહાણને સારવાર માટે ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારજનોમાં ભારેઆક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોએ ખાનગી હોસ્પિટલ ના તબીબો સામે સારવારમાં બેદરકારીના આક્ષેપો કર્યા હતા અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી.
મૃતકના પરિવારજનો પેનલ પોસ્ટમોર્ટમની માંગ સાથે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબ ડો. કિશનસિંહ પરમાર દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ ઉનામાં નહીં પરંતુ જામનગર ખાતે કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.આ માહિતી બાદ મૃતકના સગાઓ અને તબીબ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆત માં થયેલી તકરાર ધીમે ધીમે ઉગ્ર બનતા હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, અનુસુચિત સમાજના આગેવાન કાનજીભાઈ સાંખટ સાથે તબીબ દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મામલો શાંત પાડવા વચ્ચે પડેલા અનુસુચિત સમાજના આગેવાન વિનુભાઈ ચૌહાણ અને ડો. કિશનસિંહ પરમાર વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે.હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ નજીક બનેલી આ ઘટનાને પગલે ત્યાં હાજર લોકોમાં પણ દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં અનુસુચિત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યા માં લોકો સરકારી હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા.
મામલો વધુ ગંભીર ન બને તે માટે તબીબ તરફથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવી બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ભીડ એકત્રિત થતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી.દરમિયાન અનુસુચિત સમાજના આગેવાનો દ્વારા મૃતકના પરિવારને ન્યાય મળે અને પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ઉનામાં જ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વિવાદ વચ્ચે અનુસુચિત સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો ઉનામાં જ વહેલી તકે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં નહીં આવે તો મૃતદેહ સાથે ઉનાના ત્રિકોણ બાગ ખાતે ધરણા કરવામાં આવશે.આ ચીમકી બાદ મામલો વધુ સંવેદનશીલ બન્યો હતો. એક તરફ મૃતકના પરિવારજનો પોતાના સવાલોના જવાબ અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા હતા, તો બીજી તરફ હોસ્પિટલમાં બનેલી હાથા પાઈની ઘટનાને લઈને પણ સ્થિતિ તંગ બની હતી. પોલીસ અને સમાજના આગેવાનો વચ્ચે ચર્ચા-વિચારણા થયા બાદ પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી હતી. ત્યારબાદ સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી
હાલ સમગ્ર ઘટનાને લઈને ઉનામાં ચર્ચા જાગી છે. વૃદ્ધનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલું મોત, પરિવારજનો દ્વારા કરવામાં આવેલા તબીબી બેદરકારીના આક્ષેપો, પેનલ પોસ્ટમોર્ટમની માંગ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સર્જાયેલી તંગદિલી આ સમગ્ર ઘટનાક્રમે મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. મૃતકના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના તબીબો સામે સારવારમાં બેદરકારીના આક્ષેપો કર્યા છે. જોકે, આ આક્ષેપોની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. એ જ રીતે તબીબ અને અનુસુચિત સમાજના આગેવાન વચ્ચે હાથાપાઈ અંગેના આક્ષેપો ની પણ સત્તાવાર વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે તપાસમાં વૃદ્ધના મોતનું ચોક્કસ કારણ શું હતું, સારવારમાં કોઈ બેદરકારી થઈ હતી કે કેમ અને હોસ્પિટલ પરિસરમાં બનેલી હાથાપાઈની ઘટનામાં વાસ્તવિક હકીકત શું છે તે સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ