સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. વિભાગના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ ફેલાવવામાં આવી
પોરબંદરમાં પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન થયું હતું
સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ની ભાવના સાથે પોરબંદર જિલ્લા પોલીસ અને એ.આર.ટી.ઓ. વિભાગના સંયુક્ત ઉપક્રમે નરસંગ ટેકરી ખાતેથી માર્ગ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના માધ્યમથી નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
‘રાઇડ વિથ પ્રાઈડ, ફોલો ધ રૂલ્સ’ અને ‘જવાબદાર વાહનચાલક બનો, સલામત રહો’ જેવા વિવિધ સૂત્રો સાથે યોજાયેલી આ રેલીને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, એઆરટીઓ વાય.એચ સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાબા, નેશનલ હાઇવે ઓથોરિટીના અમરજીતસિંહ એ નરસંગ ટેકરી ખાતેથી લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલી નરસંગ ટેકરીથી પ્રસ્થાન કરી કમલાબાગ, નવા ફુવારા, ખાદી ગ્રામોદ્યોગ તથા એસ.ટી. વિભાગ રોડ પરથી પસાર થઈ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન વિવિધ ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગેના બેનરો સાથે નાગરિકોમાં ટ્રાફિક અવેરનેસ ફેલાવવામાં આવી હતી. હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા તથા વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા સહિતના સલામતી સંદેશાઓ આપવામાં
આવ્યા હતા. આ માર્ગ સલામતી રેલીમાં આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
