મુખ્યમંત્રીના હસ્તે પુજિત રૂપાણી ટ્રસ્ટનો ‘દીક્ષાગ્રહણ સમારોહ’ યોજાયો

વિજયભાઈ રૂપાણીનું જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત હતું : ભુપેન્દ્રભાઇ પટેલ

‘જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ’ જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્ર નિર્માણના શિલ્પી બનાવતી પ્રેરણાદાયી પહેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે તેમના રાજકોટ પ્રવાસ દરમિયાન પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ’દીક્ષાગ્રહણ સમારોહ’માં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’ અંતર્ગત ગુરૂકુળ પરંપરા મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, વિજયભાઈનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત હતું. તેમણે સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા દ્વારા ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈ આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા પ્રોજેક્ટ્સના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો 37 ટકાથી ઘટીને માત્ર 1 ટકા થયો છે, જેને શૂન્ય સુધી લઈ જવા સરકાર કટિબદ્ધ છે. તેમણે ટ્રસ્ટના ’બાલ સ્વપ્ન રથ’ પ્રોજેક્ટને વંચિત બાળકોના સર્વાંગી વિકાસ માટે આશાનું કિરણ ગણાવ્યો હતો. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે વડાપ્રધાનશ્રીની ’આયુષ્માન પીએમ-જન આરોગ્ય યોજના’ની જેમ જ ટ્રસ્ટનો ‘સંજીવની પ્રોજેક્ટ’ પણ નબળા વર્ગના લોકોને પરવડે તેવી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ આપી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તેમ ઉમેર્યું હતું. આ તકે શ્રીમતી અંજલીબેન રૂપાણી અને સમગ્ર પરિવારને સ્વ. વિજયભાઈએ પ્રગટાવેલા સેવાયજ્ઞને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવા બદલ મુખ્યમંત્રીએ સમગ્ર પરિવારને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસંગોચિત પ્રેરક સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીનું જીવન દર્શન કરાવતી ડોક્યુમેન્ટ્રી અને હોલોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’માં સહયોગી બનનાર શાળા સંચાલકશ્રીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું તેમજ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં સ્વાગત વિધિ શ્રી મેહુલ રૂપાણીએ અને આભાર વિધિ હસુભાઈ સોજીત્રા દ્વારા કરવામાં આવી હતી.
આ તકે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષા મંત્રી ત્રિકમભાઈ છાંગા, સર્વે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, સંસ્થાના ચેરમેન અંજલીબેન રૂપાણી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મહાનગરપાલિકા કમિશનર શ્રતુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિત સમાજના શ્રેષ્ઠીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનો, શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ