પોલીસ હેડક્વાર્ટરના મેદાનમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની થશે ઉજવણી રાજ્યકક્ષાની સ્વાંતત્ર્ય દિવસની ઉજવણી માટે અમરેલી સજ્જ

રાજ્યકક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનુસંધાને અમરેલી જિલ્લા સેવાસદન ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને સાંસદ ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. 15મી ઓગસ્ટે અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે.
બેઠકમાં રાજ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય, સાંસ્કૃતિક અને યાદગાર બનાવવા માટે વિવિધ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. આ તકે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યકક્ષાની ઉજવણી માટે ચાલી રહેલી પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. વિવિધ કાર્યક્રમોની વ્યવસ્થા, સુરક્ષા, સ્વચ્છતા, ટ્રાફિક, મહેમાનોના આવકાર સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે આગામી તા.14 ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમરેલીની નૂતન શાળાના મેદાન ખાતે ’એટ હોમ’ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્વે અમરેલી જિલ્લાની વિકાસયાત્રાને વધુ વેગ આપતા કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો પણ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમના સમાપન બાદ રાત્રિના સમયે લોકસંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને સમર્પિત ’રંગ કસુંબલ’ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, નાયબ વનસંરક્ષક ગીર પૂર્વ, વિકાસ યાદવ, સૂપર ન્યૂમરરી આસિ. કલેકટર હર્ષિતા ગોયલ, અમરેલી પ્રાંત અધિકારી નાકિયા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ