વિસાવદરના કાલસારી ગામે ગૌચરની જમીનમાં દબાણો ખડકાયા

વિસાવદરના કાલસારી ગામે ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓએ દબાણ કરી દેતા જાગૃત નાગરિક અને ખેડુતે તાલુકા વિકાસ અધિકારીની કચેરી સામે જઈને આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર દોડતુ થયું છે.
કાલસારી ગામ (તા. વિસાવદર, જી. જૂનાગઢ) ના રહિશ ભરવાડ પુનાભાઈ કસાભાઈ મુંધવા દ્વારા તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ), વિસાવદરને એક આવેદનપત્ર પાઠવીને કાલસારી ગામના ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણો દૂર કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય, તો તારીખ 11/10/2024 ના રોજ તાલુકા વિકાસ અધિકારીની કચેરી સામે આત્મવિલોપન કરવાની આકરી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સને 2008 થી અવાર-નવાર ગૌચરના દબાણો દૂર કરવા રજૂઆતો કરવામાં આવી રહી છે. 10-07-2024 ના જાહેરનામા બાદ તથા 11-07-2024 ના રોજ તલાટી મંત્રી અને સરપંચે 60 દિવસમાં દબાણ દૂર કરવાની લેખિત ખાતરી આપી હતી. તદુપરાંત, 23-09-2024 ના રોજ માલધારી સમાજને 90 દિવસમાં દબાણો દૂર કરવાની લેખિત ખાતરી આપવામાં આવી હોવા છતાં, દબાણો પૂર્ણપણે દૂર કરવામાં આવ્યા નથી. ગૌચરની જમીન પર દબાણ કરનાર ભુમાફિયાઓ સામે ’લેન્ડ ગ્રેબિંગ’ એકટ હેઠળ ગુના દાખલ કરી દંડ વસૂલવામાં આવે. ગૌચરની જમીન પર થયેલા પાકા બાંધકામો, ટી.સી., ધારના દબાણો તેમજ વાવેલા ફળાઉ ઝાડ તાત્કાલિક દૂર કરી ગૌચર ખુલ્લું કરવામાં આવે. દબાણ દૂર કરવામાં ઢીલી નીતિ રાખનારા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. કાલસારી ગામના ગૌચરની અધિકૃત માપણી શીટ આપવાની માંગ પણ કરવામાં આવી છે. અરજદારે સ્પષ્ટ કર્યું છે કે જો તારીખ 30/09/2024 સુધીમાં આ દબાણો દૂર કરવામાં નહીં આવે, તો તેઓ તારીખ 11/10/2024 ના રોજ આત્મવિલોપન કરશે, જેની તમામ ગંભીર નોંધ તંત્રએ લેવી. આ આવેદનપત્રની નકલ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ જાણ અર્થે મોકલવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ