બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી 14 બેઠકો માટે 29 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ


વેપારી વિભાગમાં 100 ટકા અને ખેડૂત વિભાગમાં 97.65 ટકા મતદાન

બાબરા શહેર અને તાલુકા માટે અતિ મહત્વની ગણાતી બાબરા માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીનું આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી યોજાયેલા મતદાનમાં ખેડૂતો અને વેપારીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બાબરા માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 મળી કુલ 14 ડિરેકટર ની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 29 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો સામે 21 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો સામે 8 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ રહ્યો હતો. મતદાન પૂર્ણ થતાં તમામ 29 ઉમેદવારોનું ભાવિ હવે મતપેટીમાં સીલ થઈ ગયું છે.
ખેડૂત વિભાગમાં કુલ 341 મતદારોમાંથી 333 મતદારોએ મતદાન કરતાં 97.65 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વેપારી વિભાગમાં કુલ 38 મતદારો પૈકી તમામ 38 મતદારોએ મતદાન કરતાં 100 ટકા મતદાન નોંધાયું હતું.
ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારો સામે ભાજપના જ કેટલાક અસંતુષ્ટ અગ્રણીઓની મિક્સ પેનલ મેદાનમાં ઉતરતા ચૂંટણી વધુ રસપ્રદ બની હતી. ભાજપ દ્વારા મેન્ડેટની ફાળવણી કરવામાં આવતા પક્ષના કેટલાક અગ્રણીઓને મેન્ડેટ ન મળતાં તેઓ અસંતુષ્ટ બની ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. વર્તમાન ચેરમેન સહિત ભાજપના અનેક અગ્રણીઓ પણ ડિરેક્ટર પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. ચૂંટણી દરમિયાન બાબરા તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સહિતના આગેવાનો દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવામાં આવી હતી. બીજી તરફ, બાબરા પોલીસ દ્વારા મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. હવે સૌની નજર તા. 29/9ના રોજ સવારે 9 વાગ્યે બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ થનારી મતગણતરી પર મંડાઈ છે.

રિલેટેડ ન્યૂઝ