ગિરનાર પર્વતનીસીડીના 50માં પગથિયે ત્રણ સિંહ દેખાયા

વન વિભાગ સતર્ક બન્યું : ગ્રુપમાં જ યાત્રા કરવા અપીલ

જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વતની સીડી પર 50 મા પગથિયાં નજીક તા. 30 જુલાઈની વહેલી સવારે અંદાજિત ત્રણ વાગ્યાના સુમારે એકસાથે ત્રણ નર સિંહ જોવા મળ્યા હતા. સિંહો સીડી પર લટાર મારી રહ્યા હોવાની જાણ થતાં જ ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ અને સાસણથી આવેલી ખાસ ટ્રેકર ટીમે મોરચો સંભાળી લીધો હતો.
જાણવા મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ 3 સિંહો એકીસાથે ગિરનાર પર્વતની સીડી પર 50 મા પગથિયાં નજીક દેખાયા હતા, અને ફરી એક વખત સ્થાનિક લોકો, ડોલીવાળા અને વેપારીઓમાં લખલખું વ્યાપી જવા પામ્યું હતું, જો કે, આ અંગેની વન વિભાગને જાણ કરાતા જ, અગાઉ જે સ્થળે સિંહે એક 12 વર્ષના બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. તે સ્થળે જ ફરી સિંહોના આંટાફેરા સામે આવતા અને ભૂતકાળની ગંભીર ઘટનાનું કોઈ બીજું પુનરાવર્તન ના થાય તે ધ્યાનમાં રાખીને વન વિભાગે ભારે સતર્કતા દાખવી, તાત્કાલિક ટ્રેકર ટીમે સિંહોની પાછળ રહીને તેમની દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી હતી. અને વન વિભાગ દ્વારા ત્રણેય સિંહોને કોઈ પણ અડચણ વગર અને યાત્રાળુઓની સુરક્ષા જાળવીને જંગલ તરફ સલામત રીતે રવાના કરવામાં આવ્યા હતા. આ સાથે વન વિભાગ દ્વારા ગિરનાર યાત્રા દરમિયાન કોઈ વન્યપ્રાણી દેખાય તો ગભરાવું નહીં, શોરબકોર કરવો નહીં કે તેમને ઉશ્કેરવા નહીં, આ સાથે ગિરનાર યાત્રાએ વહેલી સવારે કે મોડી રાત્રે એકલા જવાને બદલે હંમેશાં ગ્રુપમાં જ યાત્રા કરવી, શાકાહારી પ્રાણીઓ અને તેમની પાછળ હિંસક પ્રાણીઓ આકર્ષાઈને ન આવે તે માટે સીડી પર ખોરાક કે પ્રસાદ ખુલ્લામાં ન ફેંકવો, અને કોઈ વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક વનકર્મીને જાણ કરી તેમની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
સિંહે બાળકના કરેલા શિકાર અંગેના તપાસ રિપોર્ટમાં બે સિંહો કસૂરવાર
જૂનાગઢના ડી સી એફ અક્ષય જોશીએ આપેલી વિગતો મુજબ, ગત 11 જુલાઈના રોજ બાળક પર થયેલા હુમલા બાદ રેસ્ક્યુ કરાયેલા ત્રણ સિંહોના તપાસ રિપોર્ટ આવી ગયા છે. અને આ રિપોર્ટ મુજબ બે સિંહોએ બાળકનું માંસ ખાધું હોવાની પુષ્ટિ થઈ છે. આથી આ બે સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં કેદ રાખવામાં આવશે. જ્યારે ત્રીજા સિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ગિરનારમાં પ્રવાસીઓની ભારે અવરજવર હોવાથી તેના આક્રમક વર્તનનું નિરીક્ષણ કર્યા બાદ જ તેને મુક્ત કરવા અંગે આખરી નિર્ણય લેવાશે.

રિલેટેડ ન્યૂઝ