પાટીદાર પરિવારમાં ત્રીજુ સંતાન જન્મે તો એક લાખની ભેટ: આણંદસર ગામ સમાજનો નિર્ણય

મુંબઇ વસતા ગામના પરિવારો માટે ‘સુખ દુ:ખના સાથી’ યોજના વધુ વિસ્તારાઇ

મુંબઇ ખાતે આણંદસર ગામનો પાટીદાર સમાજ પોતાના ગામવાસીઓ માટે સુખ-દુ:ખના સાથી યોજના હેઠળ કરી રહેલા સેવાકાર્ય ભારતીય સમાજ માટે પ્રેરક છે.
ઘાટકોપર ખાતે અનોખા પ્રેરક સ્નેહમિલન સમારોહમાં 60મા પાટોત્સવની ઉજવણીનાં આયોજનમાં ગામના અગ્રણીઓએ કરેલી ચર્ચાવિચારણાને અંતે સમાજના અગ્રણી દેવજીભાઈ ભાવાણીએ નવીન યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મુંબઈમાં બે સંતાન ધરાવતા પરિવારમાં ત્રીજું સંતાન જન્મે તો શ્રી આણંદસર (મંજલ) પાટીદાર સનાતન સમાજ એ પરિવારને રૂપિયા એક લાખની ભેટ આપી તેમનું વિશેષ સન્માન કરશે.
મુંબઈના આણંદસર ગામના રહેવાસીઓ પોતાના સમાજના પરિવારના લાભાર્થે વર્ષોથી સુખદુ:ખના સાથીના નામે પ્રશંસનીય પ્રેરક યોજના ચલાવી રહ્યા છે. આ યોજના મુજબ ગામના જે સભ્ય દેવલોક પામે તે સભ્યના પરિવારને પાંચ લાખની રકમ આપવામાં આવે છે. ગામની દીકરીનાં લગ્ન થાય ત્યારે સવા લાખ રૂપિયાની રકમ ક્ધયાદાન રૂપે અર્પણ કરવામાં આવે છે. મુંબઈમાં રહેતા આણંદસર ગામના પરિવારને આરોગ્ય સારવાર અંગે ત્રણ લાખ સુધીની રકમ જરૂરત સમયે તત્કાળ આપવામાં આવે છે. આ સહાયનું કારણ છોકરીઓની સંખ્યા છોકરાઓના પ્રમાણમાં ઓછી છે. બીજું અન્ય સહાયો વર્ષોથી અપાય છે જેથી આર્થિક સ્તરે જરૂરતમંદોને ટેકો મળે. આ સહાયો દર્શાવે છે કે આર્થિક રીતે સંપન્ન સમાજ પોતાના ગામવાસીઓ પ્રત્યે એકતા અને સમર્પણની ઉત્કૃષ્ટ વિચારધારા ધરાવે છે.
કચ્છમાં આયોજનોમાં શિક્ષણ ક્ષેત્રે પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવે છે. ગામની કોઈ પણ વ્યક્તિએ સામાજિક સ્તરે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેને સન્માનિત કરવામાં આવે છે. આ ગામના મુંબઈવાસી પાટીદાર સમાજના સભ્યો મુંબઈ તેમ જ કચ્છમાં થતા સમાજનાં આયોજનોમાં હંમેશાં મોખરે રહે છે.

રિલેટેડ ન્યૂઝ